આઈપીએલ પહેલા વાનખેડેમાં કોરોના વિસ્ફોટ, ૮ કેસ સામે આવતા મચી ખળભળાટ…

10

મુંબઈ : આઈપીએલ-૨૦૨૧ની ૧૪મી સિઝનની શરૂઆત ૯ એપ્રિલથી દેશના જુદા-જુદા ૬ શહેરોમાં થશે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે આઇપીએલ-૧૩ યુએઈમાં રમાઈ હતી. જોકે આ વખતે કોરોના મહામારી વચ્ચે પણ આ ક્રિકેટ ટૂર્નામેન્ટ ભારતમાં જ રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ હજી તો લીગ શરૂ પણ નથી થઈને સ્ટેડિયમમાં જ કોરોનાના સંખ્યાબંધ કેસ સામે આવવા લાગ્યા છે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલની ૧૦ મેચો રમાવવાની છે. અહીં ૧૦ થી ૨૫ એપ્રિલ સુધીમાં ૧૦ મેચો રમાશે. પરંતુ આઈપીએલ શરૂ થાય તે પહેલા જ વાનખેડેમાં કોરોના વિસ્ફોટ થયો છે. અહીં કોરોનાના ૮ કેસ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
વાનખેડે સ્ટેડિયમમાં તમામ ૧૯ ગ્રાઉન્ડસ્ટાફના સભ્યોનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ગયા અઠવાડીયે આ ટેસ્ટ કરાયા હતા. તેમાંથી ૩ લોકોનો રિપોર્ટ ૨૬ માર્ચે આવ્યો હતો. જેમાં ૩ કોરોના પોઝિટિવ જણાઈ આવ્યા હતાં. જ્યારે ૧લી એપ્રિલે અન્ય ૫ લોકો કોરોના સંક્રમિત જણાઈ આવ્યા હતાં.
હજી સુધી એ વાત સ્પષ્ટ નથી કે પહેલા રાઉન્ડમાં જે ગ્રાઉંડસ્ટાફ કોરોના પોઝિટિવ જણાઈ આવ્યા હતાં ત્યાર બાદ અન્યોને તેમનાથી અલગ કરવામાં આવ્યા હતાં કે કેમ? આઈપીએલના આયોજનના થોડા જ દિવસ પહેલા આટલા બધા કેસથી બોર્ડ પણ ગંભીર બન્યું છે.