આઈપીએલમાં બે નવી ટીમોને સામેલ કરવા અંગે ચર્ચા, આવી શકે છે અમદાવાદની ટીમ…

ન્યુ દિલ્હી : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વાર્ષિક એજીએમ ૨૪ ડિસેમ્બરના રોજ થવાની છે. જેમાં આઈપીએલમાં બે નવી ટીમોને સામેલ કરવા અંગે ચર્ચા કરવામાં આવશે. બેઠકના એજન્ડામાં નવા ઉપાધ્યક્ષનું ચૂંટણી પણ સામેલ છે. બીસીસીઆઈએ એજીએમ બોલાવતા પહેલાં તમામ માન્ય એકમોને ૨૧ દિવસ પહેલાં ૨૩ પોઈન્ટનો એક એજન્ડા પણ મોકલ્યો છે.
આ એજન્ડમાં મહત્વનો પોઈન્ટ આઈપીએલમાં બે નવી ટીમોને સામેલ કરવાને લઈ તેને ૧૦ ટીમોની ટુર્નામેન્ટ બનાવવાનો છે. અદાણી સમૂહ અને સંજીવ ગોયન્કાની આરપીજી (રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્‌સ) નવી ટીમ માગે છે. જેમાંથી એક ટીમ અમદાવાદની હશે. બેઠકમાં એ વાત ઉપર પણ ચર્ચા કરવામાં આવશે કે આઈસીસી અને એશિયાઈ ક્રિકેટ પરિષદમાં બીસીસીઆઈનું પ્રતિનિધિત્વ કોણ કરશે. અને બોર્ડ સચિવ જય શાહને આ જવાબદારી સોંપાઈ શકાય તેવી સંભાવના છે.
સિલેક્શન કમિટીના અધ્યક્ષની સાથે ૩ નવા સિલેક્ટર્સની પણ ચૂંટણી થવાની છે. બોર્ડના એક સીનિયર સુત્રએ જણાવ્યું છે કે, સિલેક્શન કમિટી ક્રિકેટ કમિટીનો ભાગ હશે. આ ઉપરાંત ટેક્નિકલ કમિટીનું પણ ગઠન કરવામાં આવશે. આ તમામ ઉપ સમિતિઓ છે. તેમજ એમ્પાયરોની ઉપ સમિતિનું પણ ગઠન કરવામાં આવશે. આ ઉપરાંત ૨૦૨૧ના કાર્યક્રમ, ટી૨૦ વર્લ્ડ કપ સહિતનાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.