આઇસીએઆર રેન્‍કીંગમાં આણંદ કૃષિ યુનિવર્સિટીએ ૨૪મું સ્‍થાન હાંસલ કર્યુ…

પશ્ચિમ ભારતની યુનિવર્સિટીઓમાં આણંદ કૃષિ યુનિવર્સિટી અગ્રક્રમે…

આણંદ : દેશની તમામ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ તેમજ આઇસીએઆર સંસ્‍થાઓના નિયામકોનું વાર્ષિક પરિષદ તાજેતરમાં નવી દિલ્‍હી ખાતે યોજાઇ ગઇ. આ પરિષદનું આયોજન વિડિયો કોન્‍ફરન્‍સીંગથી આઇસીએઆર ખાતે કરવામાં આવ્‍યું હતું.

આ પરિષદ તા. ૫મી ડિસેમ્‍બરના વર્લ્‍ડ સોઇલ ડે નિમિત યોજવામાં આવી હતી. જેમાં મુખ્‍ય મહેમાન તરીકે કેન્‍દ્રીય કૃષિ રાજય મંત્રી શ્રી પૂરૂષોત્તમ રૂપાલા તેમજ શ્રી કૈલાસ ચૌધરી અને અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

આ પ્રસંગે આઇ.સી.એ.આર.ના પ્રકાશનો તથા વર્ષ-૨૦૧૯ માટે કૃષિ યુનિવર્સિટીઓના આઇસીએઆર રેન્‍કીંગ જાહેર કરવામાં આવ્‍યા હતા.

આ રેન્‍કમાં આણંદની કૃષિ યુનિવર્સિટીએ ૨૪મું સ્‍થાન હાંસલ કર્યું હતું. ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓમાં તથા પશ્ચિમ ભારતની યુનિવર્સિટીઓમાં આણંદ કૃષિ યુનિવર્સિટી અગ્રક્રમે રહી હતી.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, આણંદની કૃષિ યુનિવર્સિટીએ વર્ષ-૨૦૧૮માં ૩૭મું સ્‍થાન હાંસલ કર્યું હતું. અને વર્ષ-૨૦૧૯માં તેમાં પ્રગતિ કરીને ૨૪મું સ્‍થાન હાંસલ કરીને રેન્‍કીંગમાં સુધારો કરી આગળ આવી છે. જે રાજય સરકારના રચનાત્‍મક અભિગમને આભારી છે.

કૃષિ યુનિવર્સિટીના સર્વે અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓના સામુહિક અને સર્વોત્તમ યોગદાનથી આણંદ કૃષિ યુનિવર્સિટીએ રાષ્‍ટ્રીય તેમજ રાજય કક્ષાએ નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરતા આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર. વી. વ્‍યાસએ સર્વેને અભિનંદન પાઠવ્‍યા  હોવાનું આણંદ કૃષિ યુનિવર્સિટીએ એક યાદી દ્વારા જણાવ્‍યું છે.