આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવ વધવાથી પેટ્રોલ-ડિઝલની કિંમતો વધી રહી છે : ધર્મેન્દ્ર પ્રધાન

10

ન્યુ દિલ્હી : પેટ્રોલ-ડીઝલની વધી રહેલી કિંમતોને લઈને કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ મોદી સરકારને પત્ર લખ્યો હતો. ત્યારે હવે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ તેનો જવાબ આપ્યો છે.
દેશમાં સતત વધી રહેલી પેટ્રોલ-ડીઝલની કિંમતોની વચ્ચે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ મોદી સરકારને પત્ર લખીને આ કિંમતોમાં ઘટાડો કરવાનું સૂચન કર્યું હતું.જેના મુદ્દે હવે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ખૂબ જ કડક પ્રતિક્રિયા આપવામાં આવી છે.
યુનિયન પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડની કિંમતોમાં વધારાને લઈને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, આ ધીમે ધીમે ઓછો થઇ જશે, તેમણે કહ્યું હતું કે કોરોનાના લીધે ઓઇલની વૈશ્વિક આપૂર્તિમાં ઘટાડો નોંધાયો છે,જેના લીધે તેનું ઉત્પાદન પણ પ્રભાવિત થયું છે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અમે લગાતાર જીએસટી કાઉન્સિલને પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સને જીએસટીમાં આવરી લેવાનો અનુરોધ કરી રહ્યા છીએ, જો કે આ મુદ્દે અંતિમ નિર્ણય તો કાઉન્સિલ જ લઈ શકે છે.
આ મુદ્દે તેમણે સોનિયા ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું, અને કહ્યું હતું કે તેમને જાણ હોવી જોઈએ કે રાજસ્થાન અને મહારાષ્ટ્ર દ્વારા સૌથી વધુ પેટ્રોલિયમ પર ટેક્સ દ્વારા કમાણી કરવામાં આવી છે, અને લોકડાઉનમાં કેન્દ્ર અને રાજ્યોની કમાણી ખૂબ જ ઘટી ગઈ હતી, નોકરીઑ વધારવા માટે અમે બજેટનો એક ખૂબ જ મોટો ભાગ અલગ અલગ સેક્ટરોને આપી દીધો છે.