આંગણવાડીમાં મધ્યાહન ભોજન અને નાસ્તો ગુણવત્તા વગરનો, સુખડીમાં ઘીનો અભાવ…

રાજકોટ,
કોર્પોરેશનની આંગણવાડીમાં બાળકોને પીરસવામાં આવતું મધ્યાહન ભોજન અને નાસ્તો ગુણવતા વગરનો હોવાનું સામે આવ્યું છે. જેથી ભાજપના સિનિયર મહિલા કોર્પોરેટર અને કોર્પોરેશનની ખાસ ગ્રાન્ટ સંચાલિત શીશુ કલ્યાણ સમિતિના ચેરપર્સન રૂપાબેન શીલુ સ્થળ તપાસમાં માટે પહોંચ્યા હતા અને સ્થળ તપાસ કરતા ભોજન ગુણવત્તા વગરનું હોવાનું સામે આવ્યું હતું.

રૂપાબેન શીલુએ વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું. કે, ’તેઓએ શહેરમાં આવેલી કોર્પોરેશનની ૩૪૫ પૈકી ગંજીવાડા સહિતના પછાત વિસ્તારોની આંગણવાડીઓમાં બાળકોને અપાતા નાસ્તાનું ઓચિંતુ ચેકીંગ કર્યું હતું. આ ચેકીંગ દરમિયાન બાળકોને અપાયેલા લીલા ચણાનું શાક તથા સુખડી અને વેજીટેબલ રાઇસ જાતે ચાખ્યા હતાં. જેથી ખ્યાલ આવ્યો કે સુખડીમાં અત્યંત ઓછુ ઘી હતું. આ સાથે જ શેકેલા લોટનાં બદલે કાચા લોટની સુખડી હતી. ચણાનું શાક અને ભાતમાં કોઇ સ્વાદ ન હતો. આમ આ પ્રકારનું ભોજન મધ્યાહન ભોજનના મુખ્ય રસોડામાંથી આવતું હોવાનું ખુલતા સૌ ચોંકી ગયા હતા.’

રૂપાબેને ત્રણેય સી.ડી.પી.ઓ તથા પ્રોગ્રામ ઓફીસર હીરાબેન વગેરેને સાથે રાખી શાસ્ત્રી મેદાન પાસે સુચક સ્કૂલમાં આવેલા મધ્યાહન ભોજનના મુખ્ય રસોડામાં ચેકિંગ કર્યું હતું. જેમાં તેઓએ ફાડા લાપસી, દાળ-ભાત તથા કુપોષિત બાળકોને અપાતા પોષણયુકત લાડુ વગેરેમાં નિયમ મુજબની ખાદ્ય ચીજવસ્તુઓ વગરના તથા સ્વાદ વગરના હોવાનું જોવા મળ્યું હતું. જેથી સમગ્ર મામલે રસોડાનાં સંચાલકને પોષણયુક્ત લાડુમાં ચણાનો લોટ, ગોળ, તલ, ઘઉંનાં ફાડા અને શીંગદાણાના ફાડા નાખવા તથા દાળમાં ગોળ-ટમેટા ઉમેરવા, ગળ્યા ભાતનો નાસ્તામાં આપવા તેમજ નાસ્તો સવારે ૯-૩૦ વાગ્યે અને ભોજન બપોરે ૧૨-૩૦ વાગ્યે આપવા તાકિદ કરી હતી. આ સાથે જ તમામ ક્ષતિઓની સત્તાવાર નોંધ મુખ્ય રસોડાની વિઝિટ બુકમાં પણ કરી હતી.