અલ્પેશ ઠાકોરને લાગી શકે મોટો ઝટકો

hindustantimes.com

તાજેતરમાં જ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપનારા રાધનપુરના ધારાસભ્ય અને ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોરને મોટો ઝટકો લાગે તેવી સંભાવના છે. વાત એવી છે કે, કોંગ્રેસ પાર્ટી અલ્પેશ ઠાકોરને લઇને હરકતમાં આવી ગઈ છે. બળદેવજી ઠાકોર અને અશ્વિન કોટવાલે ગુજરાત વિધાનસભાના સેક્રેટરીને લેટર લખીને ડિમાન્ડ કરી છે કે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવામાં આવે. જો આવું કરવામાં આવે તો અલ્પેશ ઠાકોર ધારાસભ્ય નહીં રહે અને રાધનપુર સીટ પર પણ પેટાચૂંટણી યોજાય શકે છે.

આ અંગે અશ્વિન કોટવાલે કહ્યું હતું કે, અલ્પેશભાઇ ઠાકોર કોંગ્રેસના નિશાન પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ધારાસભ્ય બન્યા હતા, પણ અત્યારે હાલ જ્યારે પાર્લામેન્ટની ચૂંટણીઓ થઇ ત્યારે પાર્લામેન્ટની ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષના જે ઉમેદવાર હતા, કોંગ્રેસ પક્ષના ઉમેદવારનો જ્યારે પ્રચાર કરવાનો હતો, જ્યારે તેમની મદદ કરવાની હતી, એના બદલે એમણે બનાસકાંઠામાં અપક્ષના ઉમેદવારની મદદ કરી. ઊંઝાની અંદર પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવારના વિરોધમાં તેમણે પ્રવૃત્તિ કરી અને અપક્ષ ઉમેદવારને તેમણે મદદ કરી છે, ત્યારે કોંગ્રેસના મહોડીમંડળે તેમની ગંભીર નોંધ લીધી છે અને એમણે તાત્કાલીક નિર્ણય લીધો છે.