અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી દૂર કરવા કોંગ્રેસ જાણો કોને મળશે

લોકસભા ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો થવાની સંભાવના છે. અહેવાલ છે કે અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદ રદ કરવાની માગ સાથે કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ જલદી જ વિધાનસભા અધ્યક્ષ સાથે મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરે બનાસકાંઠા બેઠક પર ઠાકોર સેનાના ઉમેદવારને સમર્થન જાહેર કરતા કોંગ્રેસ મોવડી મંડળ તેની સામે પગલા ભરવા માટે ઉતાવળીયું બન્યું છે અને કોઇ પણ ભોગે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ આંચકી લેવા માટે પ્રયત્નો કરી રહ્યું છે.

આ પહેલા કોંગ્રેસ અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી દૂર કરવાની કાર્યવાહી પણ શરૂ કરી હતી, પક્ષ છોડ્યાના ચાર દિવસ બાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. અલ્પેશે કોંગ્રેસ પક્ષ છોડ્યા બાદ અપક્ષ ઉમેદવારને સમર્થન જાહેર કરતા કોંગ્રેસે તેની સામે પક્ષ-વિરોધી કામ કરવાનો આરોપ લગાવીને કડક પગલા લેવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને બિહારના સહપ્રભારી પદેથી પણ હટાવી દીધો હતો.

અલ્પેશ ઠાકોરને વહેલી તકે ધારાસભ્ય પદેથી દૂર કરવા માટે કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ વિધાનસભા રાજેન્દ્ર ત્રિવેદીને મળે તેવી સંભાવના સૂત્રો વડે વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરે ભેદભાવ અને દગાખોરીનો આરોપ લગાવીને કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપવાનો પત્ર પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મોકલ્યો હતો પરંતુ ધારાસભ્ય પર પરથી રાજીનામું આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. અલ્પેશ ઠાકોરે ત્યારે કહ્યું હતું કે, મને પ્રજાએ ચૂંટ્યો છે તેથી રાજીનામું આપવાનો સવાલ જ ઉભો થતો નથી.