અલ્પેશના રાજીનામા બાદ કોંગ્રેસે રણનીતિ બદલી, ઉત્તર ગુજરાતમાં ઠાકોર ધારાસભ્યોને લગાડ્યા

અમદાવાદ: અલ્પેશ ઠાકોરે સમાજના નામે 10 એપ્રિલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હોવાનો પત્ર સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. બાદમાં પત્રકાર પરિષદ યોજી હતી. અલ્પેશની લોકસભા ચૂંટણીમાં અસર ખાળવા માટે એક્શન પ્લાન બનાવ્યો હતો. જેને લઈને અલ્પેશને કદ પ્રમાણે વેતરી દેવા માટે કોંગ્રેસના વાવ અને સિધ્ધપુરના ઠાકોર ધારાસભ્યોને કામે લગાડ્યા હતા. ઉપરાંત બનાસકાંઠામાં અલ્પેશની અપક્ષ ઉમેદવારના સમર્થનમાં સભા બાદ પ્રદેશ નેતાગીરીએ ઠાકોર સમાજના આગેવાનો સાથે સીધો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળે છે.
કોંગ્રેસમાં 42 ગામના સરપંચ જોડાયા
બનાસકાંઠાના 42 ગામોના સરપંચ કોંગ્રેસમાં જોડાયા હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસમાં જોડાયેલા મોટાભાગના સરપંચો ઠાકોર સમાજના છે. જેને પગલે અલ્પેશની અસર નહીવત થશે તેવો કોંગ્રેસના સ્થાનિક નેતાઓનો વિશ્વાસ છે
અલ્પેશને પાટણ બેઠકના ચાણસ્મામાં સભા કરવા સામે ચીમકી
ઠાકોર સમાજના આગેવાનોએ અલ્પેશને પડકાર ફેંક્યો હતો કે અલ્પેશમાં તાકાત હોય તો ચાણસ્મામાં મિટિંગ કરી બતાવે. તો અલ્પેશની નજીકના ગણાતા ગોવિંદજી ઠાકોરે કાંગ્રેસના સમર્થનમાં ઠાકોરસેનાને જીત અપાવવા અપીલ કરી છે. જો કે પાટણની એક હોટલમાં મળેલી મિટિંગમાં કોઈપણ પક્ષને ટેકો નહીં આપવા ઠાકોરસેનાએ નિર્ણય લીધો હતો.
મહેસાણા ક્ષત્રિય ઠાકોર સેનાએ છેડો ફાડ્યો
મહેસાણા જિલ્લાની ઠાકોર સેનાએ અલ્પેશની સાથે છેડો ફાડ્યો હતો. પ્રમખ રામજી ઠાકોરે જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. ભાજપ સાથે સાઠગાઠ કરીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. મિટિંગ બોલાવીને તેની સાથે છેડો ફાડવા અને તેના પૂતળા દહનનો આગામી સમયે કરવામાં આવશે.