અરબી સમુદ્રમાં એક વેલમાર્ક લો પ્રેશર સક્રિય, ભારે વરસાદની શક્યતા…

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, તમામ પોર્ટ પર ૩ નંબરનું સિગ્નલ : રાજ્યમાં કુલ-૧૭૩ જળાશય હાઇ એલર્ટ ૫ર…

ગાંધીનગર : ગુજરાતમાં આગામી ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અરબી સમુદ્રમાં એક વેલમાર્ક પ્રેશર સક્રિય થવાથી ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. વરસાદની આગાહી વચ્ચે રાજ્યના તમામ પોર્ટ પર ૩ નંબરનું સિગ્નલ લગાવાયું છે. અગામી ૨૪ કલાક દરમિયાન વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશમાં પરિવર્તિત થશે, જેને પગલે દરિયો પણ ગાંડોતૂર થવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.
હવામાન વિભાગ તરફથી જાણવા મળ્યું છે કે અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે, જે ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્રમાં સક્રિય છે. આગામી ૨૪ કલાકમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકાદ વિસ્તારમાં ભારે વરસાદ થશે. વરસાદના વિરામ બાદ હાલમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા હોવાથી ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે આગામી ૧૫થી ૧૭ ઓકટોબર દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી,
જેમાં તા. ૧૬ અને ૧૭ ઓકટોબર દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે સરદાર સરોવર જળાશયમાં ૨, ૯૩, ૫૦૩ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના ૮૭.૮૫ ટકા છે. રાજયનાં ૨૦૫ જળાશયોમાં ૫.૩૫.૨૯૮ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના ૯૬.૧૦ ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૧૭૩ જળાશય, એલર્ટ ૫ર કુલ-૧૦ જળાશય તેમજ વોર્નિંગ ૫૨.૦૫ જળાશય છે.