અયોધ્યા ભૂમિ વિવાદ : સુપ્રિમમાં પક્ષકારોની ધારદાર દલીલો…

બાબરે મસ્જિદનું નિર્માણ નથી કરાવ્યું, અને તે જમીન પણ એની નથીઃ રામજન્મભૂમિ સમિતિના વકીલ

ન્યુ દિલ્હી,
અયોધ્યા ભૂમિ વિવાદ મામલે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં ૧૫માં દિવસે પણ સુનાવણી કરવામાં આવી હતી. રામ જન્મભૂમિ પુનુરુદ્ધાર સમિતિના વકીલ પીએન મિશ્રાએ પાંચ સભ્યોની બેન્ચ સામે દલીલ રજૂ કરી હતી. તેમણે પુસ્તકોને પુરાવા તરીકે સ્વીકારવા સંબંધી અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો. મિશ્રાએ કહ્યું કે, અલાહાબાદ હાઈકોર્ટે તેમના નિર્ણયમાં કહ્યું હતું કે, એ સાબીત નથી થઈ શક્યું કે, વિવાદિત જમીન પર મંદિરને તોડીને મસ્જિદનું નિર્માણ બાબરે કરાવ્યું હતું કે ઔરંગઝેબે?
સમિતિના વકીલે કહ્યું હતું કે, હાઈકોર્ટના નિર્ણય પ્રમાણે, એક જજે લખ્યું હતું કે, આનો કોઈ પુરાવો નથી મળ્યો કે મસ્જિદનું નિર્માણ બાબરે કરાવ્યું હતું. જ્યારે બીજા જજે કહ્યું કે, આ મસ્જિદ ઔરંગઝેબે બનાવી હતી. પરંતુ મુસ્લિમ પક્ષકાર સાબીત નથી કરી શક્યા કે, મસ્જિદનું નિર્માણ બાબરે કરાવ્યું હતું.
આ સંજોગોમાં મારુ કહેવું છે કે, જ્યારે કોઈ પુરાવા છે નહીં ત્યારે મુસ્લિમ પક્ષકારને વિવાદિત જમીન પર કબજો અથવા હિસ્સો આપી શકાય નહીં. બાબરે મસ્જિદનું નિર્માણ નથી કરાવ્યું અને તે વિવાદિત જમીનનો માલિક પણ નથી. જ્યારે એ જમીનનો માલિક જ નથી તો સુન્ની વકફ બોર્ડનો આ મામલે દાવો જ ન હોય.
મિશ્રાએ કહ્યું છે કે, હાઈકોર્ટના જજ એસયુ ખાનનો નિષ્કર્ષ અંદાજ પર આધારિત છે. તેમણે તેમના નિર્ણયમાં કહ્યું છે કે, આ વાતનો કોઈ પુરાવો નથી કે નિર્માણ બાબરે કર્યું છે. પરંતુ હું અંદાજ લગાવી શકું છું કે, આ મસ્જિદ બાબરે બનાવી હતી. એ તો સ્પષ્ટ છે કે, મસ્જિદને મંદિરની ઉપર જ બનાવવામાં આવી છે. કારણકે તે જગ્યાએથી મંદિરના અવશેષો મળ્યા છે. જ્યારે અમુક લોકોનું માનવું છે કે, મંદિર તોડી પાડીને ત્યાં મસ્જિદ બનાવવામાં આવી છે.