અયોધ્યા જમીન વિવાદની સુનાવણી ૧૮ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરો : CJI

સુનાવણીમાં વિલંબ નહીં કરાય, સમાંતર રૂપે મધ્યસ્થીના પ્રયાસો ચાલુ રાખી શકાશે…

ચુકાદો લખતાં એકાદ મહિનો લાગવાની શક્યતા જણાવી,શનિવારના રોજ પણ સુનવણી માટે તૈયાર સુપ્રીમ કોર્ટ, નવેમ્બરમાં ચુકાદો આવે તેવી શક્યતા…

ન્યુ દિલ્હી : અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા દલીલો પૂરી કરવા માટે ડેડલાઇન નક્કી કરાતા નવેમ્બર સુધીમાં નિર્ણય આવી જવાની આશા વધી ગઇ છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ બુધવારના રોજ ૧૮મી ઑક્ટોબર સુધીમાં દલીલો પૂરી કરવાની ડેડલાઇન નક્કી કરી દીધી. મધ્યસ્થતાની કોશિષો પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહી દીધું કે તેને સમાનતર રીતે ચાલુ રાખી શકાય છે પરંતુ તેના માટે સુનવણી રોકાશે નહીં.
બંને પક્ષોના વકીલો રાજીવ ધવન અને સીએસ વૈદ્યનાથ દ્વારા આપવામાં આવેલા ટેંટેટિવ સમયને જોયા બાદ સીજેઆઇએ કહ્યું કે એવું લાગે છે કે અયોધ્યા કેસની સુનવણી ૧૮ ઑક્ટોબર ૨૦૧૯ સુધીમાં પૂરી થઇ જશે. ઝ્રત્નૈંએ કહ્યું કે તમામ પક્ષ પોતાની દલીલો ૧૮મી ઑક્ટોબર સુધીમાં પૂરી કરી લે. તેમણે સંકેત આપ્યો કે જો સમય ઓછો પડ્યો તો આપણે શનિવારના રોજ પણ કેસની સુવણી કરી શકીએ છીએ.
જો કે અયોધ્યા જમીન વિવાદની સુનવણી જો ૧૮મી ઑક્ટોબર સુધીમાં પૂરી થઇ જાય છે તો સુપ્રીમ કોર્ટને જજમેન્ટ લખવામાં ૧ મહિનાનો સમય લાગશે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે નવેમ્બર મહિનામાં ગમે ત્યારે દેશના રાજકારણ અને સામાજિક વ્યવસ્થાની દ્રષ્ટિથી સંવેદનશીલ આ કેસ પર નિર્ણય આવી શકે છે. આપને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ૧૭મી નવેમ્બરના રોજ રિટાયર થવાના છે. એવામાં તેમના રિટાયરમેન્ટ પહેલાં નિર્ણય આવવાની સંભાવના વધી ગઇ છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે દરરોજ સુનવણીને એક કલાક વધારવા અને જો જરૂર પડે તો શનિવારના રોજ પણ સુનવણી કરવાની રજૂઆત કરી છે.
સીજેઆઇ રંજન ગોગોઇએ કહ્યું કે ૧૮મી ઑક્ટોબર સુધીમાં દલીલો અને સુનવણી પૂરી થઇ જવી જોઇએ જેથી કરીને ફરીથી નિર્ણય લખી શકાય. તેના પર મુસ્લિમ પક્ષે ૨૭મી સપ્ટેમ્બર સુધીમાં પોતાની દલીલો ખત્મ કરવાની વાત કહી છે. ત્યારબાદ હિન્દુ પક્ષે સવાલ-જવાબમાં બે દિવસ વધુ લાગવાની વાત કહી છે. તો મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું કે અમે પણ ૨ દિવસ વધુ પ્રશ્ન-જવાબ માટે લઇશું. આમ બંને પક્ષોની દલીલો પૂરી થયા બાદ ૪ દિવસ પ્રશ્ન-જવાબમાં લાગશે.
ચીફ જસ્ટિસે કહ્યું કે અમને મધ્યસ્થતા માટે પત્ર મળ્યો છે. આ કોશિષોને સુનવણીથી અલગ સમાંતર રીતે ચાલુ રાખી શકે છે. આપને જણાવી દઇએ કે સુન્ની વક્ફ બોર્ડ અને નિર્વાણી અખાડાએ પત્ર લખીને મધ્યસ્થતા પેનલથી એક વખત ફરીથી વાતચીત દ્વારા મુદ્દાને હલ કરવાની કોશિષ કરવાની વાત કહી હતી. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવી કોશિષ કરવાવાળા ફ્રી છે, પરંતુ સુનવણી ચાલુ રહેશે. સીજેઆઇની તરફથી સુનવણીની ડેડલાઇન નક્કી કર્યા બાદ મુસ્લિમ પક્ષના વકીલે પૂછયું કે આખરે નિર્ણય લખવામાં તમને કેટલો સમય લાગશે, અમને નિર્ણય જોઇએ છે.