અયોધ્યામાં રામ મંદિર માટે અત્યાર સુધી ૨૧૦૦ કરોડનું દાન કર્યું…

16

અયોધ્યા : અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે છેલ્લાં ૪૪ દિવસથી ચાલી રહેલા રામ મંદિર નિધિ સમર્પણ અભિયાનમાં ૨૧૦૦ કરોડ રૂપિયાનું દાન એકઠું થયું છે. શનિવારના રોજ તેનો છેલ્લો દિવસ હતો. તેની શરૂઆત ૧૫મી જાન્યુઆરીના રોજ થઇ હતી.
આ અભિયાનના શરૂઆતના સમયમાં ૧૧૦૦ કરોડ એકત્ર કરવાનો અંદાજો હતો. પરંતુ પ્રજાની અભૂતપૂર્વ ભાગીદારીના લીધે લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયા વધુ આવ્યા. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરિનું કહેવું હતું કે તમામ વર્ગોના લોકોએ ખૂબ ભાગ લીધો. ખાસ કરકીને ધર્મ દિવાલને નજરઅંદાજ કરીને દૂરદૂરના ગામડાંઓમાંથી ખૂબ દાન આવ્યું.
તેમણે કહ્યું કે શનિવાર સાંજ સુધીમાં કુલ દાન ૨૧૦૦ કરોડની રકમ પાર કરી ગયું. ગયા વર્ષે ડિસેમ્બરમાં અંદાજો લગાવ્યો હતો કે મંદિર બનવામાં ૩૦૦-૪૦૦ કરોડ અને આખા મંદિર પરિસરને બનાવામાં ૧૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જો કે ટ્રસ્ટના સભ્ય ડૉ.અનિલ મિશ્રાનું કહેવું હતું કે અત્યારે મંદિર પરિસરના નિર્માણનું બજેટ ફાઇનલ થયું નથી. બાંધકામ પૂરું થવા પર જ તેની યોગ્ય માહિતી મળશે.
શનિવારના રોજ અયોધ્યાના સંતોએ ટ્રસ્ટને ભલામણ કરી હતી કે બાકી પૈસામાંથી અયોધ્યાનો વિકાસ કરવામાં આવે. તેમણે આગ્રહ કર્યો કે કરોડો રામ ભકતોએ જે પૈસાનું દાન કર્યું છે તેનો દુરૂઉપયોગ ના થાય.
તપસ્વી છાવણીના મહંત પરમહંસ દાસે કહ્યું કે ટ્રસ્ટના માતા સીતાના નામ પર અયોધ્યામાં સંસ્કૃત યુનિવર્સિટી સ્થાપિત કરવામાં આવે અને મંદિર શહેરમાં દૂધનો પુરવઠો મફત પૂરો પાડવા માટે એક ગૌશાળા સ્થાપિત કરવા માટે વધુ નાણાંનો ઉપયોગ કરવો જોઇએ.