અમ્પાયરોને પણ દંડ ફટકારવાનો નિયમ બનાવો : બીસીસીઆઇ કોષાધ્યક્ષ

આઈપીએલની એક મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ડગઆઉટમાંથી મેદાન પર ધસી જઈને અમ્પાયરો સાથે ઉગ્ર ચર્ચા કરી. આ કારણે તેના પર ૫૦ ટકા મેચ ફીનો દંડ ફટકારાયો. આઈપીએલની આ સિઝનમાં અમ્પાયરોના નિર્ણયો પર સવાલ ઊઠી રહ્યા છે. આ અંગે બીસીસીઆઇના કોષાધ્યક્ષ અનિરુદ્ધ ચૌધરીએ કહ્યું કે ખેલાડીઓની સાથે સાથે અમ્પાયરો માટે પણ નિયમ બનાવવા જાઈએ. તેઓ ભૂલ કરે તો તેમને પણ દંડ ફટકારવો જાઈએ.
અનિરુદ્ધ ચૌધરીએ કહ્યું ”જ્યારે નિયમોના ઉલ્લંઘન બાદ ખેલાડીઓને સજા કરવામાં આવે છે ત્યારે ઘણી ચીજ મહત્વની હોય છે, જેમાં જૂના રેકોર્ડની સાથે સાથે વર્તમાન પરિસ્થિતિને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. મેચ અધિકારીઓને વધુ સારું પ્રદર્શન કરવાની જરૂર છે, જેમાં ફિલ્ડ અમ્પાયર, થર્ડ અમ્પાયર અને મેચ રેફરી પણ સામેલ છે. જ્યારે ધોની મેદાન પર ગયો હતો ત્યારે મને એવું લાગ્યું હતું કે તેને કદાચ દંડ થશે. એ નિયમોનું ઉલ્લંઘન છે. ધોનીને દંડ ફટકારાયો અને મામલો ખતમ થઈ ગયો.”
ચૌધરીએ વધુમાં કહ્યું, ”ધોનીએ નિયમ તોડ્યો અને તેને દંડ થયો. હવે સમય આવી ગયો છે કે એક એવી સિસ્ટમ તૈયાર કરવી જાઈએ, જેમાં અમ્પાયરો ભૂલ કરે તો તેમને પણ દંડ ફટકારવામાં આવે. આપણે આવી સિસ્ટમ તત્કાળ શરૂ કરવાની જરૂર છે. અમ્પાયરોને પારખેવાના નિયમમાં સુધારો કરવો પડશે.”