અમે દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ : અમેરિકા

આર્ટિકલ-૩૭૦ને લઇ અમેરિકાએ નિવેદન આપ્યુ

વૉશિંગ્ટન,
અમેરિકાએ સોમવારે જણાવ્યું છે કે, તેઓ ભારત સરકાર દ્વારા આર્ટિકલ ૩૭૦ને હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરના ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે. સાથે જ અમેરિકાએ તમામ પક્ષોને એલઓસી પર શાંતિ અને સ્થિરતા જાળવવાની અપીલ પણ કરી છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસે જણાવ્યું હતું કે, અમે એલઓસી પર તમામ પક્ષોને શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાની અપીલ કરીએ છીએ. અમે જમ્મુ કાશ્મીરની ઘટનાઓ પર નજર રાખી રહ્યા છીએ. અમે જમ્મુ કાશ્મીરના બંધારણીય દરજ્જામાં ફેરફાર કરવાની ભારત સરકારની જાહેરાત અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવાની યોજનાને ધ્યાનમાં લીધી છે.
માનવઅધિકારોના કથિત ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે જમ્મુ-કાશ્મીરમાંથી આવી રહેલા સમાચારોથી ચિંતિત છીએ અને લોકોનું સન્માન અને પ્રભાવિત સમુદાયો સાથે ચર્ચાની અપીલ કરી છીએ.
કાશ્મીર મુદ્દે ભારત-પાક કહેશે ત્યારે જ હસ્તક્ષેપ કરશુંઃ યુએન
યુએન મહાસચિવ એંટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટીવન દુર્જૌરિકે કાશ્મીર મુદ્દે મીડિયા સાથે વાત કરી હતી. જ્યારે તેમને ભારત-પાકના કાશ્મીર વિવાદનો ઉકેલ લાવવા માટે સૂચન માંગવામાં આવ્યુ ત્યારે સ્ટીવને કહ્યું કે, આ મામલે મહાસચિવનો પક્ષ સ્પષ્ટ છે. જો બંને દેશો (ભારત-પાક) કહેશે તો અમે તેમની મદદ માટે હંમેશા તૈયાર છીએ.

  • Nilesh Patel