અમેરિકામાં કોરોનાનો હાહાકારઃ ૨૪ કલાકમાં ૨.૧૦ લાખ કેસ નોંધાયા…

૨૯૦૭ લોકોના મોત નિપજ્યા, બીજી લહેરની આશંકા વ્યક્ત કરાઇ…

USA : અમેરિકામાં કોરોના વાયરસનો કહેર થોભવાનું નામ લઇ રહ્યું નથી. અમેરિકામાં કોરોનાના એક દિવસમાં રેકોર્ડબ્રેક કેસ સામે આવ્યા છે એટલે કે એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના મતે અમેરિકામાં ગુરૂવારના રોજ છેલ્લાં ૨૪ કલાકમાં covid-૧૯ના ૨,૧૦,૦૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. આ અમેરિકામાં મહામારી શરૂ થયા બાદથી લઇ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. અમેરિકા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે.
યુનિવર્સિટીના આંકડા પ્રમાણે યુએસમાં ગુરૂવારના રોજ છેલ્લાં ૨૪ કલાકમાં ૨.૧૦ લાખથી વધુ નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ દરમ્યાન કોરોનાના લીધે ૨૯૦૭ લોકોના મોત થયા છે. અમેરિકામાં કોરોના વાયરસની બીજી લહેરની આશંકા વ્યકત કરાઇ છે.
અમેરિકા, ભારત અને બ્રાઝીલ કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. અમેરિકામાં કોરોના સંક્રમણના કુલ કેસ ૧.૪૦ કરોડની નજીક પહોંચી ગઇ છે જ્યારે અત્યાર સુધી વાયરસના લીધે ૨.૭૩ લાખથી વધુ લોકોના જીવ ગયા છે. એક્ટિવ કેસની સંખ્યા ૮૩ લાખથી વધુ છે.
તો ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૯૫ લાખને પાર પહોંચી ગઇ છે. ભારતમાં વાયરસના લીધે ૧.૩૮ લાખ લોકોના જીવ ગયા છે. જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં ૮૯ લાખથી વધુ લોકો સંક્રમણથી ઉભરવામાં સફળ રહ્યા છે. તો દેશમાં ૪.૨૨ લાખ લોકોની કોરોનાથી સારવાર ચાલુ છે.

  • Naren Patel