અમેરિકાએ ૨૦૧૭ની સરખામણીએ ૨૦૧૮માં એચ૧-બી વિઝા ૧૦ ટકા ઓછા ઇશ્યૂ કર્યા..!!

  • બે વર્ષ પહેલા ૧૦૦માંથી ૯૩ અરજી મંજૂર થતી તે ઘટીને ૮૫ અરજી મંજૂર થઇ…

વૉશિંગ્ટન,
અમેરિકાએ છેલ્લા ઘણાં સમયથી ઈમિગ્રેશન નિયમોને મુશ્કેલ બનાવી દીધા છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસ (યુએસીઆઈએસ)ના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે ૨૦૧૭ની સરખામણીએ ૨૦૧૮માં સરકારે ૧૦% એચ૧-બી વીઝા ઓછા ઈશ્યૂ કર્યા છે. ગયા વર્ષે ૩,૩૫,૦૦૦ એચ૧-બી વીઝાને મંજૂરી આપવામાં આવી જ્યારે ૨૦૧૭માં તેની સંખ્યા ૩,૭૩,૪૦૦ હતી. એચ૧-બી વીઝા માટે સૌથી વધારે ભારતીયો દ્વારા અરજી કરવામાં આવે છે.

બીજી બાજુ ટ્રમ્પ પ્રશાસને નાગરિકતા આપવાની સંખ્યામાં વધારો કર્યો છે. ૨૦૧૭માં ૭,૦૭,૨૬૫ની સરખામણીએ ૨૦૧૮માં ૮,૫૦,૦૦૦ લોકોને અમેરિકાની નાગરિકતા આપવામાં આવી છે. આ છેલ્લાં પાંચ વર્ષમાં આ સૌથી મોટો આંક છે. આ સિવાય ગયા વર્ષે અંદાજે ૧૧ લાખ ગ્રીન કાર્ડ પણ ઈશ્યૂ કરવામાં આવ્યા છે.

અરજીને સરળતાથી મંજૂરી નથી આપી રહ્યું પ્રશાસનઃ અમેરિકામાં કામ કરવા માટે ભારત અને ચીન સહિત અન્ય દેશોના હાઈ સ્કિલ્ડ કર્મચારીઓમાં એચ૧-બી વીઝાની માંગ ઘણી વધારે હોય છે. પરંતુ ૨૦૧૭માં તેનો મંજૂરી દર અંદાજે ૯૩% હતો જ્યારે ૨૦૧૮માં તે ઘટીને ૮૫% થયો હતો. એટલેકે બે વર્ષ પહેલાં ૧૦૦ અરજીમાંથી ૯૩ મંજૂર થતી હતી તે રેશિયો ઘટીને હવે ૮૫ અરજી મંજૂર કરવામાં આવે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ નાણાકીય વર્ષના પહેલાં છ મહિનામાં એચ૧-બી વીઝાની મંજૂરીમાં ઘટાડો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૮ના ૮૫ ટકાની સરખામણીએ આ વર્ષે માર્ચના અંત સુધીમાં ૭૯% વીઝા અરજીને મંજૂરી આપવામાં આવી છે.