અમદાવાદમાં સાબરમતી નદીના પાણીને શુદ્ધ કરવા બનશે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદીના પાણીને શુદ્ધ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્બારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં કોતરપુર, હાંસોલ અને ડફનાળા વિસ્તારમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવામાં આવશે. ટૂંક સમયમાં જ આ પ્લાન્ટને તૈયાર કરવામાં આવશે, આ પ્લાન્ટમાં પાણીને શુદ્ધ કરવાની સાથોસાથ પાણીમાં ઓક્સિજન સહિતના જરૂરી પોષક તત્વોનું પ્રમાણ જળવાઈ રહે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આધુનિક ટેકનોલોજીની ઉપયોગ કરવામાં આવશે. સાબરમતી નદીમાં દિવસે ને દિવસે વઘતા જતા પ્રદુષણને લઇને અમદાવાદ મહાનગરપાલિકાને ફટકાર પડી ચુકી છે, જેના કારણે હવે આ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.આ બાબતે મહાનગરપાલિકાના અધિકારીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુદા-જુદા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન છે. એમાં કોતરપુર ખાતે કામગીરી શરૂ થઇ ગઈ છે, ટેન્ડરીંગ પ્રોસેસમાં છે. જલવિહાર ખાતે એક 60 mldનો પ્લાન્ટ શરૂ થઇ ચુક્યો છે. આ સિવાય ડફનાળામાં પણ ટ્રીટમેન્ટ પ્લાન બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે.