અમદાવાદમાં પતિએ પત્ની પર એસિડ ફેંકતા 2 બાળકો પણ દાઝ્યા

અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં પત્ની પર એસિડ ફેંકનાર પતિને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં સાસરેથી રિસાઈને પોતાના બે બાળકો સાથે પિયર આવેલી પત્નીને મનાવવા માટે પતિ રાણીપ વિસ્તારમાં આવેલા પત્નીના પિયર આવ્યો હતો. જ્યારે પતિ પત્નીને મનાવવા પહોંચ્યો, ત્યારે બંને વચ્ચે સમાધાન તો ન થયું પણ બંને વચ્ચેનો ઝઘડો વધ્યો અને તેના કારણે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન ઉગ્ર થયેલા પતિએ ઘરમાં પડેલી એસિડની બોટલ લઇને એસિડ પત્ની પર ફેંક્યું જેના કારણે પત્ની પીઠના ભાગે દાજી ગઈ હતી. પતિએ પત્ની પર જે સમયે એસિડ ફેંક્યુ ત્યારે મહિલાના બંને બાળકો પણ ઘરમાં જ હતા. જેના કારણે બંને બાળકો પર પણ એસિડના છાંટા ઉડતા તેઓ પણ દાઝ્યા હતા.ઘટનાબાદ પતિ ફરાર થઇ ગયો હતો અને દાજી ગયેલી મહિલા અને બાળકોને તેમના પરિવારજનો દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસે હોસ્પિટલ પહોંચી અને સમગ્ર મામલે પીડિતાની ફરિયાદ લઇને એસિડ ફેંકનાર પતિ નરોત્તમ સોલંકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને પતિ નરોત્તમ સોલકીની ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસ પતિની પૂછપરછ કરી રહી છે કે, તેણે આ અગાઉ પણ પત્ની પર હુમલાઓ કર્યા છે અને બંને વચ્ચે જે ઝઘડો થયો તે કઈ બાબતે થયો હતો.