અમદાવાદમાં નર્મદા સિવાય સિંચાઈનું પાણી બંધ

અમદાવાદ જિલ્લાના ખેડૂતોને સિચાઈ માટે નર્મદાના પાણી સિવાય કોઈ પાણી નહિ મળે. વરસાદ બાદ ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. ધોલેરા સર ઊભું કરવાનું હોવાથી તમામ 22 ગામોને નર્મદાનાં પાણીથી 10 વર્ષથી વંચિત કરાયાં છે.

રાસ્કા વિયર મારફતે અમદાવાદ જિલ્લામાં દૈનિક 200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ચરોતરના બે મુખ્ય તળાવો કનેવાલ-પરિએજને ભરવા માટે આગામી 15 એપ્રિલ બાદ મહી નહેરની મુખ્ય શાખામાં પીવા માટે પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો. પણ હવે અહીં પાણી બંધ કરી દેવાનું નક્કી કરાયું છે.

પીવાલાયક પાણીની માંગને પહોંચી વળવા હાલમાં વણાકબોરી જળાશયમાંથી શેઢી શાખા થઇને રાસ્કા વિયર મારફતે અમદાવાદ જિલ્લામાં દૈનિક 200 કયુસેકની ક્ષમતામા પાણી છોડવામાં આવતું હતું. જે હવે એકાએક બંધ કરી દેવાનું નક્કી કરાયું છે.

અમદાવાદ જિલ્લાના 556 ગામોમાંથી 447 ગામને નર્મદાનું પાણી મળે છે. 109 ગામને નર્મદાનું પાણી મળતું નથી. 35 ગામ એવા છે કે જ્યાં બોર દ્વારા પાણી મેળવવા માટે નવા બોર બનાવવાની મંજૂરી કલેક્ટરે આપી છે. બીજા ગામોમાં ટેન્કર દ્વારા પાણી આપવાની મંજૂરી આપવામાં આવી છે. 14 તાલુકા અને 8 શહેરો મળીને જિલ્લાની 74 લાખની વસ્તી છે. 5 કરોડના ખર્ચે 35 બોરની મંજુરી પણ આપી દેવામાં આવી છે એટલું જ નહિ નળ કાંઠાના ગામો પર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

સાણંદ તાલુકામાં માણકોલ ગામે 2018માં 67 ગામોના સરપંચો સહિતના ખેડૂત આગેવાનોની બેઠક યોજાઇ હતી. જિલ્લામાં વરસાદ પાછો ખેંચાઇ જવાની સ્થિતિમાં સિંચાઇ માટે તાત્કાલિક ધોરણે કેનાલોમાં પાણી છોડવાની માંગણી કરાઇ હતી. આ વર્ષે પણ એનાથી ખરાબ સ્થિતી છે.