અમદાવાદથી મુંબઇ જતી ડબલ ડેક્કર ટ્રેનમાં આગની અફવાથી મચી અફરાતફરી…

9

નવસારી : અમદાવાદથી મુંબઇ તરફ જતી ડબલ ડેક્કર ટ્રેનના સી-૭ કોચમાં આગ લાગી હોવાની અફવાએ જોર પકડ્યું હતું. ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરો દ્વારા ટ્રેનમાં આગ લાગી હોવાની જાણ કરવામાં આવી હતી. જેના પગલે નવસારી રેલવે સ્ટેશને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક સેક્શન એન્જિનિયરની ટીમ નવસારી સ્ટેશન દોડી ગઇ હતી અને બનાવની ખરાઈ કરી હતી. જે દરમિયાન ટ્રેનમાં આગ ન લાગી હોવાનું બહાર આવતા મુસાફરો અને રેલવે વિભાગે હાશકારો અનુભવ્યો હતો.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, બ્રેક પેડ ટાયર સાથે ઘસાવાથી તણખલા ઉડ્યા હતા અને ધૂમાડો નીકળ્યો હતો. જેથી મુસાફરોને ટ્રેનમાં આગ લાગી હોવાનું લાગ્યું હતું. નવસારી રેલવે સ્ટેશને ટ્રેન ઉભી હતી એ સમયે મુસાફરોએ ધૂમાડો જોઇને ટ્રેનમાં આગ લાગી હોવાનું માની લીધું હતું. સેક્શન એન્જિનિયરના સ્ટાફે સ્થળ ચકાસણી કરી હતી. બ્રેક પેડ ટાયર સાથે ઘસાયા હતા. રેલવે વિભાગની ટીમે આ ખામીને દૂર કરી હતી અને રાબેતા મુજબ ટ્રેન મુંબઇ માટે રવાના થઇ હતી.
સોશિયલ મીડિયાના આ જમાનામાં કોઈ પણ માહિતી ત્વરિત વાયરલ થઈ જતી હોય છે ત્યારે બ્રેક પેડ ઘસાતા મામૂલી ધુમાડો નીકળતા ટ્રેનમાં સવાર પેસેન્જરોએ કોચમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવી દીધું હતું અને સોશિયલ મીડિયા પર આ સમાચાર વહેતા મુક્યા હતા. જેને લઈને રેલવે વિભાગ પણ દોડતું થયું હતું જ્યારે સમસ્યા રેલવે માટે ટેકનિકલ એરર સમાન હતી જેને ગણતરીની મિનિટોમાં મરમ્મત થઈ હતી ત્યારે આ બાબતે રેલવે વિભાગે સ્પષ્ટતા કરી હતી કે આ સમસ્યા નાની હતી જેને આગ સાથે કોઇ નિસબત નથી.