અપક્ષ ઉમેદવારી કરનાર દિપક શ્રીવાસ્તવનું ફોર્મ થયું રદ્દ : ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડ…

102

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને મોટો ઝટકો….

વડોદરા : વડોદરામાં ભાજપ સામે બળવો કરી વોર્ડ નં-૧૫માં અપક્ષ ઉમેદવારી કરનાર દિપક શ્રીવાસ્તવનું ફોર્મ ૩ સંતાન હોવાના મુદ્દે ચૂંટણી અધિકારીએ રદ્દ કર્યું છે. હવે તેઓ ચૂંટણી નહીં લડી શકે. આ પહેલા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવના સામે વાંધા અરજીની સુનાવણી દરમિયાન તેમના સમર્થકોએ વડોદરા જિલ્લા પંચાયતમાં ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડ કરી હતી. આ ઘટનાને પગલે ડીસીપી ઝોન-૩ ડો. કરણરાજસિંહ વાઘેલા અને એસીપી મેઘા તેવાર સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. વોર્ડ-૧૫ની વાંધા અરજીની સુનાવણીમાં થયેલી તોડફોડ બાદ મોરચો સંભાળી લીધો હતો.
વડોદરા શહેરમાં ભાજપ સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરનાર વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવના ઉમેદવારી ફોર્મ સામે વોર્ડ નં-૧૫ના મ્ત્નઁ ઉમેદવાર આશિષ જોશીએ વાંધો ઉઠાવ્યો હતો અને દિપક શ્રીવાસ્તવને ૩ સંતાનના હોવાના મુદ્દે ફોર્મ રદ્દ કરવા માંગ કરી હતી. બીજી તરફ ભાજપમાં બળવો કરીને વડોદરાના વોર્ડ નં-૧૨માં અપક્ષ ઉમેદવારી કરનાર શિક્ષણ સમિતિના સભ્ય રાજેશ ઠક્કરનું ઉમેદવારી પત્ર રદ્દ થયું છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ નહીં આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી,
ત્યાર બાદ ભાજપે દિપક શ્રીવાસ્તવને સમજાવવાના પ્રયાસો કર્યાં હતા, પરંતુ દીપક શ્રીવાસ્તવ એકના બે થયા નહોતા અને અપક્ષ ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. આજે ફોર્મ ચકાસણીના દિવસે વોર્ડ નં-૧૫ના ભાજપના ઉમેદવાર આશિષ જોશીએ દિપક શ્રીવાસ્તવની ઉમેદવારી સામે વાંધો ઉઠાવ્યો હતો અને દિપક શ્રીવાસ્તવે એફિડેવિટમાં બે સંતાનનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ, તેઓને ૩ સંતાનના હોવાના મુદ્દે ફોર્મ રદ્દ કરવા માંગ કરી હતી અને આ અંગેના પુરાવા પણ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યાં હતા.