અજય દેવગણની ફિલ્મ “નામ” ૧૬ વર્ષ બાદ થશે રીલિઝ…

મુંબઈ : કોરોના વાયરસને કારણે ટીવી અને ઓટીટી પ્લેટફોર્મ પર કન્ટેન્ટની માગણી વધી છે અને એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે કે સિનેમાઘરની પહેલા જ આ પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરી દો. આ કારણથી કેટલીક અટકેલી ફિલ્મો હવે પ્રેક્ષકો સામે આવી રહી છે. તાજેતરમાં જ અનીસ બાઝમીની દસ વર્ષ પુરાણી ફિલ્મ ઇટ્‌સ માય લાઇફ ટીવી પર રિલીઝ કરાઈ હતી. જેમાં હરનામ બાવેજા અને જેનિયા ડીસોઝાએ લીડ રોલ કર્યો હતો. હવે અનીસ બાઝમીને વધુ એક ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ૨૦૦૪માં એટલે કે ૧૬ વર્ષ અગાઉ અનીસે એક ફિલ્મ બનાવી હતી. અજય દેવગણને લઈને તેણે ફિલ્મ ‘નામ’ બનાવી હતી.
આ ‘નામ’ ફિલ્મનું શૂટિંગ થઈ ગયું હતું. તે એક સસ્પેન્સ થ્રિલર છે. આ ફિલ્મનું શરૂઆતમાં નામ હતું ‘બેનામ’ પણ પાછળથી તેને બદલીને ‘નામ’ રાખવામાં આવ્યું. અજય દેવગણ જેવો સ્ટાર હોવા છતાં આ ફિલ્મ આજ સુધી અટકી પડી છે. ૨૦૦૮ અને ૨૦૧૩માં તેની રિલીઝ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે શક્ય બન્યું ન હતું. હવે એવા અહેવાલ છે કે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના નિર્માતાઓ તેને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરી રહ્યા છે અને જો તેમ શક્ય નહી બને તો તેને ટીવી પર પણ રિલીઝ કરી દેવાશે.
અજય દેવગણની સાથે આ ફિલ્મમાં સમીરા રેડ્ડી અને ભૂમિકા ચાવલા પણ છે. અગાઉ તેમાં પ્રિયંકા ચોપરાને લેવાનો પ્રયાસ કરાયો હતો. ફિલ્મના ડાયરેક્ટરનું કહેવું છે કે આ બહેતરીન ફિલ્મ છે અને તેમાં અજય દેવગણે શાનદા એક્ટિંગ કરી છે. અનીસે અગાઉ પણ દેવગણ સાથે કામ કરેલું છે. આ ફિલ્મના પ્રોડ્યુસર દિનેશ પટેલ છે જેમણે અજય દેવગણને પહેલી વાર બ્રેક આપીને ફિલ્મ ‘ફૂલ ઓર કાંટે’ બનાવી હતી.