અંબાજી ભાદરવી પૂનમનાં મેળામાં ૧૬ લાખથી વધુ ભક્તો ઉમટ્યા, ૭૦૦૦ હજાર ધજા ચઢી…

૧૨૩ ગ્રામ સોનાની અને રૂ.૩ કરોડ ૬૭ લાખ ૩૬ હજારની રોકડ આવક…

પાલનપુર,
જગતજનની મા અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનું આજે સમાપન થશે. જિલ્લા પોલીસ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધજા ચઢાવવામાં આવી છે. મેળાના છઠ્ઠા દિવસે એટલે કે શુક્રવારે રાજ્યાન ખૂણે ખૂણેથી ૧૬.૩૪ લાખ ભક્તોએ મા અંબાના પાવનકારી દર્શનનો લ્હાવો લીધો હતો. ૮ સપ્ટેમ્બરથી ૧૩ સપ્ટેમ્બર સુધીમાં ૩ લાખ ૧૦ હજાર ૫૭૬ ભાવિક ભક્તોએ પ્રસાદ લીધો છે. જ્યારે ૨૨ લાખ ૭૭ હજાર ૧૦૫ પ્રસાદીના પેકેટ્‌સનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે ૬ દિવસ દરમિયાન રૂ. ૩ કરોડ ૬૭ લાખ ૩૬ હજાર ૭૭૨ની આવક થઈ છે અને ૧૨૩ ગ્રામ સોનુ અર્પણ કર્યું છે.
ગુજરાતભરમાંથી પદયાત્રા કરીને આવતા વિવિધ સંઘોએ લાંબી લાંબી ધજાઓ સાથે માના ધામમાં શિશ નમાવ્યું હતું. છઠ્ઠા દિવસે બપોર બાદ ત્રિશૂળિયા ઘાટ રોડ પર પદયાત્રીઓની સંખ્યા નહિવત જોવા મળી હતી. અલબત્ત પૂનમિયા સંઘો જય અંબેના જયઘોષ સાથે અંબાજી પહોંચી ગયા હતા.
કરોડો શ્રદ્ધાળુઓના દુઃખ હરનારી મા અંબાના સાનિધ્યમાં લાખો પદયાત્રિકોએ દર્શન કર્યા બાદ વતનની વાટ પકડી છે. શુક્રવારે મેળાના છઠ્ઠા દિવસે બે લાખ માઈભક્તો પગપાળા અંબાજી પહોંચ્યા હતા. છઠ્ઠા દિવસે ૨૧ ગ્રામ સોનું મા અંબાને ચડાવાયું હતું. મા અંબાને મળેલી ભેટસોગાદ અને પ્રસાદની કુલ આવક પોણા ચાર કરોડ જેટલી નોંધાઈ છે. મેળાના છ દિવસ દરમિયાન ૮.૩૪ લાખ મુસાફરો એસટીમાં બેસી પરત રવાના થયા હતા. ૭ હજાર કરતાં વધુ ધજાઓ ચઢાવાઇ હતી. જ્યારે આરોગ્ય વિભાગે ૨.૯૨ લાખ દર્દીઓની સારવાર કરી હતી.