અંગ્રેજ બાદ હવે ભાજપ સામે લડવાનો વારો આવ્યો છે : અમિત ચાવડા

અમદાવાદ,
રાહુલ ગાંધી શુક્રવારે અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર રહ્યા. રાહુલની ઘીકાંટા મેટ્રો કોર્ટમાં મેજીસ્ટ્રેટ એસ.કે ગઢવી સામે જુબાની લેવાઈ. એડીસી બેંક ડિરેક્ટર દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ અમદાવાદની મેટ્રો કોર્ટમાં કરવામાં આવ્યો હતો. આ કેસ અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સાથે વાત કરી હતી.

અમિત ચાવડાએ વાત કરતાં જણાવ્યું કે, ‘નોટબંધીનાં અણધાર્યા અને અણગઢ નિર્ણય કરાયો જેના કારણે દેશવાસીઓ પરેશાન થયા. ભારતીય જનતા પાર્ટીનાં નેતાઓએ પાછલા બારણે ભ્રષ્ટચાર કર્યો. આ બધી જ વાતોને રાહુલ ગાંધીએ વાચા આપી છે. બીજેપી હંમેશા કોઇ સાચી વાત કહે તેને ડરાવવા માટે આવા ખોટા કેસ કરતી આવી છે. રાહુલજી પર આખા દેશમાં અનેક ખોટા કેસો કરવામાં આવ્યાં છે. અમદાવાદમાં રાહુલજી આવી રહ્યાં છે. રાહુલજી સત્યની લડાઇ લડે છે, ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે લડે છે. આખા દેશની પ્રજા રાહુલજી સાથે છે.’ અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું કે, ‘ભાજપની એક નીતિ રહી છે કે કોઇપણ તેમની સામે બોલે, તેમના ભ્રષ્ટાચારની વાત કરે તો તેની વાત સાંભળવાની બદલે તેનો અવાજ દબાવવાનાં પ્રયત્નો થાય છે. ભૂતકાળમાં ગુજરાતમાં અનેક આંદોલનમાં ખોટા કેસ કરવામાં આવ્યાં છે તેવી જ રીતે રાહુલજી પર પણ ખોટો કેસ કરવામાં આવ્યો છે.’

અમિત ચાવડાએ આગળ જણાવતા કે, ‘રાહુલજી કે છે કે અંગ્રેજા સામે પણ કોંગ્રેસ ઝૂકી નથી, ત્યારે પણ સત્યની સાથે લડ્યા હતાં, મજબૂતાઇથી લડ્યા હતા અને હવે બીજી વખત ભાજપ સામે પણ આઝાદીની લડાઇ કોંગ્રેસ એટલી જ મજબૂતાઇથી લડશે.’